જયેશ પટેલનો ખોફ: બિલ્ડર ઉપર ફાયરિંગ

એડવોકેટ કિરીટ જોષી, ખંભાળીયાના નિશા ગોંડલીયા અને પ્રોફેસર બાદ વધુ એક હત્યાનો પ્રયાસ


ભૂમાફિયાગીરીમાં જયેશ પટેલનો ખોફ: બિલ્ડર ઉપર ફાયરિંગ

વિદેશ છૂપાયેલા જયેશ પટેલ ભાડૂતી માણસો દ્વારા સોપારી આપીને ગુનો આચરતો હોવાનું પર્દાફાશ

જામનગરના લાલપુર બાયપાસ પાસે એક બિલ્ડરના ચાલતા બાંધકામના સ્થળે આજે બપોરે બે બાઈકમાં ધસી આવેલા ત્રણ શખ્સ પૈકીના એક એ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું છે. જ્યારે બાકીના બે શખ્સે હોળી તથા પાઈપના બટકાથી હુમલાનો પ્રયાસ કર્યો હતો.

બિલ્ડરે પોતાના બચાવમાં વળતું બે રાઉન્ડ ફાયરીંગ કર્યું છે. સાઈટ પર હાજર વ્યક્તિઓએ હુમલાખોરોનો પ્રતિકાર શરૃ કરતા હુમલાખોરો દૂમ દબાવીને નાસી ગયા છે. બનાવની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો ધસી આવ્યો હતો. ગયા સપ્તાહે પૈસાના મામલે જાણીતા વેપારીની મોટર પર ધોકાથી હુમલો થયા પછી આજે બિલ્ડર પર ફાયરીંગનો બનાવ બનતા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ઘોડા દોડાવ્યા છે. તે દરમ્યાન બિલ્ડરે કુખ્યાત જયેશ પટેલે ફાયરીંગ કરાવ્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

જામનગરમાં હરિયા કોલેજ વિસ્તારમાં વસવાટ કરતા જાણીતા બિલ્ડર ભરતભાઈ હમીરભાઈ ડેરના નાનાભાઈ ગીરિશભાઈ ડેર આજે સવારે પોતાના નિત્યક્રમ મુજબ અગિયારેક વાગ્યે જીજે-૧૦-ડીઈ-૯૬૭૮ નંબરની મોટરમાં લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ જતા હાઈ-વે પર ચાલતા પોતાના ક્રિષ્ના પાર્ક નામના બાંધકામના સ્થળે જવા રવાના થયા હતાં. તેઓ પોતાની સાઈટ પર પહોંચ્યા તે પછી ગગતરીની મિનિટોમાં તે સ્થળે બે મોટરસાયકલમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતાં.

સાઈટ પર ચોકીદાર તેમજ કડીયાકામ કરતા વ્યક્તિઓ સાથે વાતચીતમાં ગુંથાયેલા ગીરિશભાઈ પર ઉપરોક્ત ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. પોતાના બાઈકમાંથી ઉતરેલા આ શખ્સોએ થેલો ખોલી તેમાંથી બે શખ્સે હોડી અને પાઈપનું બટકું બહાર કાઢ્યું હતું જ્યારે ત્રીજા શખ્સે રિવોલ્વર કાઢી ગીરિશભાઈ પર ફાયરીંગ કરવા માટે હાથ લંબાવ્યો હતો. તુરત જ પરિસ્થિતિ પારખી ગયેલા ગીરિશભાઈએ દોટ મૂકી તે શખ્સના બન્ને હામાં રહેલી રિવોલ્વરને પકડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં આ શખ્સના બન્ને હાથના કાંડા પકડાઈ જતા તેનો હાથ મચકોડાયો હતો અને રિવોલ્વરનું નાળચુ જમીન તરફ નમી ગયું હતું અને તેમાંથી એક ફાયર થયો હતો. ધડાકાનો અવાજ સાંભળી સાવચેત બની ગયેલા ચોકીદાર સહિતના વ્યક્તિઓએ હામાં આવ્યા તે ઈંટ, પથ્થર વિગેરેના ઘા શરૃ કરતા ત્રણેય હુમલાખોર ગભરાયા હતાં. તેઓએ સ્થળ પરથી નાસી જવાનો પ્રયત્ન શરૃ કર્યો હતો. તે વેળાએ ઝપાઝપી તથા ફાયરીંગ કરનાર શખ્સ પણ હાથ છોડાવી પોતાના બાઈક તરફ નાસવા લાગ્યો હતો ત્યારે જ ગીરિશભાઈએ પોતાની પાસે રહેલી રિવોલ્વર બહાર કાઢી હવામાં ત્રણ ફાયર કર્યા હતાં જ્યારે હુમલાખોર શખ્સે પણ બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

થોડી મિનિટો પહેલાં કડીયાકામનો ધમધમાટ ચાલતો હતો ત્યાં વારાફરી પાંચ રાઉન્ડ ફાયરીંગના ધડાકા થતા હોહા મચી ગઈ હતી. કોઈએ પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ, સીટી ડીવાયએસપી એ.પી. જાડેજા, ડીવાયએસપી કૃણાલ દેસાઈ, એલસીબી પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ કે.કે. ગોહીલ, આર.બી. ગોજીયા, પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ જે.ડી. પરમાર તેમજ એસઓજીના પીઆઈ કે.એલ. ગાધે સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. સ્થળ પરથી નાસી ગયેલા હુમલાખોરો રણજીત સાગર રોડ તરફ નાઠા હોય પોલીસે તે દિશામાં સગડ દબાવવા ઉપરાંત સીસીટીવીની તપાસ કરાવતા કેટલાક સ્થળેથી ફૂટેજ મળ્યા છે જેમાં આરોપીઓના ચહેરા સહિતનું વર્ણન પોલીસને મળવા પામ્યુ છે.

 હુમલાખોરો સ્થળ પર હોડી તથા પાઈપનું બટકું છોડી નાસી ગયા છે. પોલીસે ગીરિશ ડેરની ફરિયાદ પરી ગુન્હો નોંધવાની તજવીજ શરૃ કરી છે. ફરિયાદી જામનગરમાં દર વર્ષે અર્વાચીન દાંડીયારાસનું આયોજન પણ કરે છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં થોડા મહિના પહેલાં સત્યમ કોલોની વિસ્તારમાં પ્રોફેસરની કાર પર ફાયરીંગ થયા પછી બોક્સાઈટના જાણીતા વેપારીના પુત્રને ભય બતાવી લૂૂટી લેવાનો બનાવ બન્યા પછી ગયા સપ્તાહે તે જ વેપારીની મોટર પર પૈસાની લેતીદેતીના મામલે ત્રણ શખ્સે ભરબપોરે ધોકા ફટકારી ભય ઊભો કર્યો હતો. તે પછી આજે એક બિલ્ડર પર સરાજાહેર ફાયરીંગ થતા પોલીસે આ પ્રકારના ગુન્હામાં સંડોવાયેલા શખ્સો તરફ શંકા વ્યક્ત કરી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

તે દરમ્યાન ગીરિશભાઈ ડેરે ફરિયાદ નોંધાવવા કરેલી તજવીજમાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેકો દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ ગુન્હો નોંધ્યો છે. જેમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ ક્રિષ્ના પાર્કમાં આવેલા અમુક પ્લોટ અગાઉ જેના પર કુખ્યાત જયેશ પટેલે ફાયરીંગ કર્યું હતું તે મહિલા કોલેજના પ્રોફેસર પરસોત્તમ રાજાણીની મધ્યસથી જાણીતા બિલ્ડર મહેશભાઈ ભીખુભાઈ વારોતરીયા પાસેથી ખરીદ કર્યા હતાં. તે પછી ગીરિશભાઈ ડેરે તેમાં બાંધકામ શરૃ કરતા જયેશ પટેલે પોતાના મળતીયા તેમજ આડકતરી રીતે ગીરિશભાઈને આ પ્લોટ ન ખરીદો નહીં તો જીવ ગુમાવવાની તૈયારી રાખજો તેવી ધમકીઓ મોકલવાનું શરૃ કર્યું હતું પરંતુ ગીરિશભાઈ તેને વશ ન થતા આજે જયેશના ભાડુતી માણસો ફાયરીંગ કરી ગયા હતા જેની સામે ગીરિશભાઈએ સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પોલીસે આઈપીસી ૩૦૭, ૫૦૬ (૨), ૧૨૦ (બી), આર્મ્સ એકટ તા જીપી કલમ એકટન્ હેઠળ ગુન્હા નોંધ્યો છે.  

ભુમાફીયા જયેશ પટેલે જામનગરનાં એડવોકેટ કિરીટ જોશી હત્યામાં અને ખંભાળીયાની નીશા ગોંડલીયા ઉપર બિટકોઈન અને જમીનનાં મામલે અને પ્રોફેસર પર જમીનનાં વિવાદમાં ભાડુતી મારા દ્વારા વિદેશથી સોપારી આપી ફાયરીંગ કરાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. લાંબા સમયથી ફરાર ભુમાફીયા જયેશ પટેલે વધુ એક ક્રિષ્ના પાર્કનાં જમીનનાં મામલે ફાયરીંગ કરાવતા બિલ્ડરે પણ સ્વબચાવમાં લાયસન્સવાળી ગનમાંથી ફાયરીંગ કર્યાનું બહાર આવ્યું છે.

ભુમાફીયાને ઝડપવા રેડ કોર્નર નોટિસ મેળવવા ઈન્ટરપોલની મદદ લીધી

જામનગરની કરોડોનાં જમીન કૌભાંડમાં સંડોવાયેલા અને એડવોકેટ કિરીટ જોશીની હત્યા બાદ દુબઈ નાસી ગયેલા ભુમાફીયા જયેશ પટેલ અનેકની બોલતી બંધ કરવા શાપ શુટરોને સોપારી આપી ગુના આચરતા હોવાથી તેમજ અનેક બિલ્ડરો પર ફાયરીંગ કરાવ્યાનું પ્રકાશમાં આવતા જામનગર પોલીસે જયેશ પટેલ પર ભીંસ વધારવા ઈન્ટરપોલની મદદ લઈ રેડ કોર્નરની નોટીસ મેળવવા તજવીજ હાથધરી છે.